શિક્ષણ વિમર્શ
શિક્ષણ વિમર્શ | તારીખ: ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૫
‘ગુજરાતી કેળવણી પરિષદ’, અમદાવાદ તેમજ ‘ગુજરાતી કેળવણી પરિષદ’, જામનગર કેન્દ્રનાં સંયુક્ત ઉપક્રમે ‘શ્રી કસ્તુરબા સ્ત્રી કેળવણી મંડળ’, જામનગર દ્વારા આયોજિત એક દિવસીય ‘શિક્ષણ વિમર્શ’ કાર્યક્રમ યોજાયો જેમાં આશરે ૨૩૦થી વધુ શિક્ષકોએ ભાગ લીધો. એક દિવસીય આ કાર્યક્રમમાં કૂલ ત્રણ વ્યાખ્યાનોનું આયોજન થયું હતું.

આ કાર્યક્રમમાં ‘શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ’ના પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર, ગુજરાતી કેળવણી પરિષદ, જામનગર કેન્દ્રનાં શ્રી પ્રભુભાઈ ચાંદરા, શ્રી દિલીપભાઈ આશર, શ્રી નરેશભાઈ ભંડેરી, શ્રી દિલીપભાઈ વ્યાસ, વાદી સાહેબ, શ્રી વસોયા સાહેબ, ડૉ શ્રી હેમાંગભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ગુજરાતી કેળવણી પરિષદ, અમદાવાદથી સંસ્થાના
પ્રમુખ શ્રી મનસુખભાઈ સલ્લા, શ્રી રમેશભાઈ વિરમગામી, શ્રી ઉષાબેન વિરમગામી તથા સંયોજક શ્રી દર્શનબેન પટેલ જોડાયા હતા. આ ઉપરાંત જામનગર ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના માનદ્ મંત્રી શ્રી જતીનભાઈ શાહ, સંસ્થાના ટ્રસ્ટી કલ્પનાબેન ખંડેરિયાહાજર રહ્યા હતા. સંસ્થાના માનદ્ મંત્રી શ્રી હીરાબેન તન્નાએ પણ ટેલીફોનીક શુભેછા પાઠવી હતી. સંસ્થાની વિવિધ સમિતિના સભ્યો, કાલાવડથી શ્રી જમનભાઈ, ભાણવડથી શ્રી ભીમશીભાઈ કરમૂર, જામનગરની તથા જામનગરની આજુબાજુની શાળાના શિક્ષકો રજાના દિવસે પણ બહુ જ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ખાસ તો ગુજરાતી કેળવણી પરિષદનાં જામનગર કેન્દ્રનાં નિર્માણ અને અગાઉ યોજાયેલ તમામ કાર્યક્રમોમાં જેમના આશીર્વાદ રહેલા છે તેવા ‘અણદાબાવા સંસ્થા’ના અધ્યક્ષ પૂજનીય શ્રી દેવપ્રસાદ મહારાજે ખાસ આશીર્વચન પાઠવ્યા હતાં.
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ સંસ્થાના યજમાનપદે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. સવરે ૮.૩૦ વાગે રજીસ્ટ્રેશન અને ચા-નાસ્તા સાથે તમામ શિક્ષકોને આવકારવામાં આવ્યા હતા. રજીસ્ટ્રેશન કીટ પણ સ્ત્રી વિકાસગૃહ દ્વારા આપવામાં આવી હતી અને એ કીટમાં શ્રી અણદા બાવા સંસ્થા,જામનગર દ્વારા એક ફૂલસ્કેપ નોટબુક પણ આપવામાં આવી હતી.
શ્રી કસ્તુરબા સ્ત્રી કેળવણી મંડળના સંયોજક શ્રી પાર્થભાઈ પંડયાએ સૌને સંસ્થાવતી આવકાર્યા હતા અને ગુજરાતી કેળવણી પરિષદના કેન્દ્ર જામનગર વતી સૌનું અભિવાદન પણ કર્યું હતું. સંસ્થાના પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર દ્વારા મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવોનો પરિચય આપવામાં આવ્યો હતો અને સાથે સાથે સંસ્થા વતી તમામનું સુતરની આંટી અને સંસ્થાના ખેસ વડે સ્વાગત કરવામાં આવું હતું.
કાર્યક્રમના કૂલ ત્રણ વ્યાખ્યાનોમાં પ્રથમ વ્યાખ્યાન શ્રી ગિરા પિનાકિન ભટ્ટ દ્વારા ‘ બાળવાર્તા દ્વારા શિક્ષણ’ વિષય પર યોજાયું હતું. જેમાં ગિરાબેને ચીલાચાલુ કથાન શ્રાવણ પધ્ધતિથી અલગ વાર્તા દ્વારા શિક્ષણ કઈ રીતે આપી શકાય તેની વાત ઉપસ્થિત શિક્ષકો સમક્ષ કરી હતી. ગિરાબેને નાનપણમાં સૌએ સાંભળી હોય તેવી દાદા-દાદીની વાતોને નૈતિક શિક્ષણ સાથે જોડીને કોઈ પણ સીધું ભાષણ આપ્યા વિના બાળકોને કંઈ રીતે જીવનમૂલ્યો શીખવી શકાય તેની વાત કરી હતી. ‘તરસ્યો કાગડો’, ‘શિયાળ અને પૂરી’, લપલપીયો કાચબો’, ‘વાંદરો અને ટોપી’, ‘કાચબો અને સસલું’, ‘મગર અને વાંદરો’, ‘પ્રામાણિક કઠિયારો’ જેવી વ્યવહારુ વાર્તાઓમાં પણ કલ્પનાશક્તિથી વધુ અસરકારક કરી અને શિક્ષણમાં સીધું કઈ રીતે સાંકડી શકીએ તેની વાત ગિરાબેને પોતાના વક્તવ્યમાં કરી હતી. બાળકોને સીધેસીધી શિખામણ ના આપતા વાર્તાના માધ્યમથી જો તેમને કંઈ કહેવામાં આવે તો વધારે અસરકારક રીતે સમજાય છે.

આમ ગિરાબેને બહુ રસપ્રદ રીતે પોતાની વાત રજૂ કરી હતી અને રોજ વર્ગખંડમાં વાર્તા-પ્રયુક્તિનો ઉપયોગ કરી શકાય તેનું ઉદાહરણ પૂરું પડ્યું હતું.
ત્યારબાદ બીજું વક્તવ્ય સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાં આવેલી ટીડાણા પ્રાથમિક શાળાનાં આચાર્ય શ્રી મહિપાલસિંહ જેતાવતનું હતું. તેઓએ પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શાળાને સમર્પિત થઇ પોતાની શાળાને એક આદર્શ શાળા કેમ બનાવી તેની વાત કરી હતી.વર્ષો સુધી જે શાળામાં નોકરી કરતાં હતા તે જ ગામમાં રહીને સૌ પ્રથમ ગામને પોતાનું કર્યું અને ત્યારબાદ ગામના બાળકોને કઈ રીતે ભણતા કર્યા તે સંઘર્ષની વાત તેમણે પોતાના વક્તવ્યમાં કરી.ગામની દીકરીઓને કોલેજમાં ભણાવવા પોતે પણ કોલેજનો અભ્યાસ કર્યો હોય , ગામના તળાવમાં ધુબાકા મારી સવારે ૫ વાગે શાળા શરૂ કરી રાત્રે ૧૦ વાગ્યા સુધી શાળા ચલાવવી હોય, શાળામાં આજે પણ ઘંટ નથી વાગતો એનો અર્થ કે શાળા ૨૪માંથી ૧૪ કલાક ચાલુ રાખિ હોય, ટીડાણામાં છકડાના પ્રવાસથી દિલ્લીનો મેટ્રોનો પ્રવાસ હોય, બાળકોને મેઈલ દ્વારા રજા માંગતા કર્યા હોય કે અજયને કદીય ના વિચાર્યો હોય એવો વિજય અપાવવાની વાત હોય એક આદર્શ શિક્ષક દરેક પરિસ્થિતિમાં કઈ રીતે વર્તે તો આદર્શ શાળા અને ઉત્તમ વિદ્યાર્થીનું ઘડતર કરી શકાય તેનું તાદ્રશ્ય ઉદાહરણ મહિપાલસિંહે પોતાના અનુભવોની વાતો દ્વારા પૂરું પાડયું હતું.

કાર્યક્રમનું છેલ્લું વક્તવ્ય ગુજરાતી કેળવણી પરિષદનાં પ્રમુખ તથા પ્રથમ હરોળના કેળવણીકાર શ્રી મનસુખભાઈ સલ્લાનું હતી. જેમણે ‘માણસાઈની કેળવણી’ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં કેળવણી કઈ રીતે મનુષ્યને પૃથ્વી પરનાં બીજા પ્રાણીઓથી અલગ પડે છે તેની વાત કરતાં કરતાં કહ્યું હતું કે માણસ બગડે નહીં તેનામાં પ્રેમ ઊગે અને માણસાઈ કેળવાય તે માટે ‘કેળવણી’ ખુબ જરૂરી છે. તેમણે એરીસ્ટૉટલને ટાંકતા કહ્યું હતું કે “બધા સદગુણોનું ધરૂવાડિયું કુટુંબ છે.” કુટુંબનું માધ્યમ પ્રેમ છે, અને જે પ્રેમની સાથે શિક્ષણ આપે તે શિક્ષક ક્યારેય સાધારણ હોઈ શકે નહિ. શિક્ષણનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું હતું કે શિક્ષણનું કામ જે નથી જાણતા એ જાણતા કરવાનું નથી, પરંતુ જે કરવા જેવું છે એ કરતાં કરવાનું છે. એમાંથી મનુષ્ય વધુ સંવેદનશીલ, બીજાની કાળજી લેતો અને સમાનતાલક્ષી બને છે.
આમ ‘શિક્ષણ વિમર્શ’ અંતર્ગત થયેલા ત્રણેય વ્યાખ્યાનો અલગ અલગ વિષયને આવરી લેતા હોવા છતાં કેળવણીમાં રસ લેતા તમામને સ્પર્શે તેવા હતા. કાર્યક્રમનાં અંતે પ્રશ્નોતરી સત્રમાં હાજર શિક્ષકોએ તેમણે મુંઝવતા પ્રશ્નો પણ વક્તાઓને પૂછ્યા હતા. અંતે ‘શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ’ના સંયોજક શ્રી પાર્થભાઈ પંડયા દ્વારા હાજર તમામનો આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમનાં અંતે સૌ ભોજન લઈને છુટા પડ્યા હતા.