અમારા વિશે
ધ્યેય (Vision)
કેળવણીનું યથાર્થ સ્વરૂપ પ્રગટાવવું, જેથી રાષ્ટ્રને જવાબદાર, જાગૃત, સંસ્કારી, જ્ઞાનવાન અને કૌશલ્યપૂર્ણ નાગરિકો મળે.
પ્રવૃત્તિ ક્ષેત્રો (Mission)
વિદ્યાર્થી
વિદ્યાર્થીનું લાગણીતંત્ર સ્વસ્થ બને. આત્મવિશ્વાસ દૃઢ બને. સંકલ્પશક્તિ પ્રબળ બને. પરીક્ષા માટે નહિ, જ્ઞાન માટે શીખે. એવી રીતે શીખે કે પરીક્ષાનો ભાર ન રહે. માનીને ચાલવાને બદલે તપાસતો થાય. બિનંગત રીતે વિચારવાની ટેવ પડે. મનુષ્ય, સમાજ અને પ્રકૃતિને અભિન્ન ગણતો થાય. પ્રકૃતિ પ્રત્યે લગાવ ધરાવતો હોય. જીવનને અખંડપણે જોતો થાય. પરિશ્રમનો ચાહક થાય. બીજા સાથે સહકારથી કાર્ય કરતાં શીખે. સૌને સમાન ગણે. એનાં વલણો વિધાયક બને.
શિક્ષક
શિક્ષક જવાબદાર બને. સજ્જ બને. વિદ્યાર્થીઓ સાથેનો સંબંધ પ્રેમનો હોય. દરેક પ્રવૃત્તિ - કાર્યક્રમ આયોજન કેળવણીની નજરે કરે. કેન્દ્રમાં વિદ્યાર્થીને મૂકે, વિદ્યાર્થી જાતે શીખતો થાય, એમ સઘળું યોજે. વિદ્યાર્થીની સંવેદનશીલતાનો વિકાસ થાય એની કાળજી લે. વિદ્યાર્થીને જવાબદારી સોંપીને જવાબદાર બનાવે. માર્ક્સને બદલે ચારિત્ર્યઘડતરને મુખ્ય ગણે. સ્વ-અધ્યયનને મહત્ત્વ આપે. શાળાને પોતાની ગણે. શાળાનું ભાવાવરણ વિદ્યાર્થીને પ્રેરણા આપે તેવું બનાવે.
વાલી
વાલી જાગૃત થાય, સક્રિય થાય, સંગઠિત થાય, વિચારતા થાય. જાત તપાસ કરે. પોતે બદલાય, સંતાનો સાથેની સંબંધભાત બદલે. પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરે, શિક્ષણના સાચા અને ખોટા સ્વરૂપને પારખતા થાય. પોતાના બાળકને ઓળખે, સમજે. પ્રયોગશીલ અને નમ્ર બને.
ગુજરાતી કેળવણી પરિષદ ટ્રસ્ટનાં ધ્યેયો
- કેળવણીની રચના મૂલ્યલક્ષી અને ગુણવત્તાયુક્ત થાય. તમામ સ્તરના શિક્ષણમાં સ્વાયત્તતા અને પ્રયોગશીલતા માટે પ્રયત્નો કરવા.
- ગુજરાતી કેળવણી પરિષદનું લક્ષ્યજૂથ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ છે.
- કેળવણી માનવનિષ્ઠ બને એ માટે સઘળા ઉપક્રમો યોજવા. શિક્ષણના નીતિનિર્ધારણમાં સામેલગીરી કરી ઉત્કૃષ્ટતા માટે પ્રયત્નો કરવા.
- ઉત્તમ કામગીરી કરનાર વિદ્યાલયોને પ્રોત્સાહન, માર્ગદર્શન અને હૂંફ આપવાં.
- કેળવણીના ઉત્તમ કાર્યનો પ્રચાર - પ્રસાર કરીને શ્રદ્ધા બળવત્તર બનાવવી.
- કેળવણી વિચારની સ્પષ્ટતા, દૃઢતા અને સમગ્રદર્શન માટેના વિવિધ કાર્યક્રમો યોજવા.
- ઉત્તમ શિક્ષણ, ઉત્તમ કારકિર્દી અને ઉત્તમ મનુષ્યના નિર્માણ દ્વારા ઉત્તમ સમાજરચના અને રાષ્ટ્રરચનામાં ફાળો આપવો.
- શિક્ષણના પ્રાચીન - અદ્યતન વિચારપ્રવાહોનો અભ્યાસ કરવો અને શિક્ષણની ગુણવત્તામાં તેનાં આયોજન અને અમલ કરવાં.