શિક્ષણપર્વ -૨૦૨૪




શિક્ષણપર્વ - ૨૦૨૪
- ઉદઘાટન
- પ્રથમ દિવસ
- બીજો દિવસ
- ત્રીજો દિવસ
ગુજરાતી કેળવણી પરિષદ, અમદાવાદ અને રાજસૌભાગ આશ્રમ, સાયલાના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૫ થી ૧૭ નવેમ્બર ત્રણ દિવસના શિક્ષણપર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળી વેકેશનના છેલ્લા દિવસોમાં યોજાયેલા આ પર્વમાં ગુજરાતભરમાંથી ૨૦૦ જેટલા શિક્ષકો, ટ્રસ્ટીઓ, સંસ્થા-સંચાલકો અને કેળવણીપ્રેમીઓ હાજર રહ્યા હતા તે અત્યંત આનંદદાયક છે.
પર્વનો પ્રારંભ એલ.એમ.વોરા ગર્લ્સ હાઈસ્કુલની વિધાર્થીનીઓના સ્વાગત નૃત્યથી થયો હતો. ત્યાર બાદ રાજસૌભાગ આશ્રમના ભાઈશ્રી પૂજ્ય નલિનભાઈ કોઠારીએ આર્શીવચન આપ્યા હતા. રાજસૌભાગ આશ્રમના શ્રી વિક્રમભાઈ શાહ દ્વારા સંસ્થા-પરિચય અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
તથા ગુજરાતી કેળવણી પરિષદનાં પ્રમુખ શ્રી મનસુખભાઈ સલ્લા દ્વારા ગુજરાતી કેળવણી પરિષદનો પરિચય આપવામાં આવ્યો હતો. તથા પ્રેમની પરબના મુખ્ય સંયોજક શ્રી ચંદ્રકાન્તભાઈ વ્યાસે પર્વના સ્વરૂપ અને વ્યવસ્થાની વિગતે વાત કરી હતી. આ પ્રસંગે વિખ્યાત ખગોળશાસ્ત્રી શ્રી જે.જે.રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પર્વના ઉદઘાટક લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરુણભાઈ દવેએ “શિક્ષણ દ્વારા સંસ્કાર ઘડતર” વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે માનવ પર સંસ્કૃતિની અસર તથા સત(વિજ્ઞાન), ચિત(અધ્યાત્મ) અને આ બંનેનું મિલન એટલે આનંદ. માહિતીને જ્ઞાન તરફ લઇ જવી હોય તો તેમાં સર્જનાત્મક અને રચનાત્મક સંસ્કારોનું સિંચન કરવું પડે છે. શિક્ષણ ચીલાચાલું ન થઇ જાય, પરીક્ષા બીબાઢાળ રીતે ના લેવાય તે બાબતનું ધ્યાન રાખવું વર્તમાન શિક્ષણ માટે અનિવાર્ય બાબત છે. શિક્ષણ જગતનાં અનેક પાસાંઓ છે પણ જો વિશ્વાસ અને વિચાર આ બે પાસાંઓને સમજી લઈએ તો બધું આપમેળે જ ગોઠવાતું જાય છે” આમ પોતાના અનુભવથી શ્રી અરુણભાઈએ સુંદર વિચારણા રજૂ કરી હતી.
પ્રથમ દિવસની બીજી બેઠકના વક્તા શ્રી મિતાબહેન ઝવેરી હતા. તેઓ વાલી મંડળના સક્રિય સભ્ય રહી ચુક્યા છે તેમજ સુરત આકાશવાણીમાં રેડિયો આર.જે. છે. વર્ષોથી કેળવણી ક્ષેત્રે તેઓ કામ કરી રહ્યા છે.તેમનો વિષય “શિક્ષણના મારા પ્રયોગો” હતો. તેમણે અસરકારક શિક્ષણમાં શાળાના તમામ શિક્ષકોની ભાગીદારી તથા નીડર નિર્ણયોના મહત્વની વાત કરી હતી.બાળકોની અન્ય સાથે સરખામણી કરવાના બદલે બાળકોની અંદર રહેલી ઊર્જાને ઓળખીને બાળકને ‘વિચાર કરતા’ શીખવવાનું છે.અંગ્રેજી માધ્યમના આંધળા મોહનો ત્યાગ કરી બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવવા જોઈએ. આમ તેઓશ્રીએ પોતાના અનુભવના માધ્યમથી વાલીઓની સાથે સાથે શિક્ષકોને પણ વિચારવાની દિશા ખોલી આપી હતી.
પ્રથમ દિવસની અંતિમ બેઠકના વક્તા જાણીતા લેખક તથા શિક્ષણશાસ્ત્રી શ્રી હરેશભાઈ ધોળકિયા હતા. ‘અંગદનો પગ’ ના લેખક અને અનુભવી વક્તા એવા શ્રી હરેશભાઈએ “આવતી કાલનું શિક્ષણ” વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ઇતિહાસની જગ્યાએ બાળકોને ભવિષ્યની જરૂરિયાતો વિષે વિચારતા કરવા જોઈએ. ભૂતકાળનો રાગ ભવિષ્યના વિઝનને વિકસવા દેતો નથી.ટેકનોલોજીનો ભોગ આપણા યુવાનો બની રહ્યા છે.તેઓ સતત તુલનાત્મક જીવન જીવે છે. વિદ્યાર્થીઓમાં “ એકાગ્રતાનો અભાવ” જોવા મળે છે ટેકનોલોજીના અનહદ ઉપયોગથી વ્યક્તિ એકલી પડી જાય છે. અને સંવેદનાબધિર થતી જાય છે.
આવી સ્થિતિમાં બાળકોને ‘તટસ્થ ચિંતન’ કરતા શીખવાડવું ખૂબ જરૂરી છે.કોઈ પણ બાબતની ચર્ચા કરી સાચું શું તે જાણવું અને તેને અપનાવે તે શીખવવું ખૂબ જરૂરી છે.આ બધાથી બચવા માટે બાળક વૈશ્વિક સ્તરે વિચારતો થાય તે ખૂબ જરૂરી છે.
પ્રથમ દિવસના અંતે રાત્રી સત્રમાં જાણીતા લોકપ્રિય કલાકાર શ્રી અરવિંદભાઈ બારોટે “લોકસાહિત્ય અને શિક્ષણનો અનુબંધ” વિષય પર ખૂબ રસપ્રદ રજૂઆત કરી. લોકસાહિત્યનાં તમામ પાસાંઓને આવરી લઈને તેમણે લોકગીતોના વિવિધ પ્રકારોમાં હાલરડાં થી માંડી મરસિયા સુધીની વાતો ગીતો અને વર્ણનોના માધ્યમથી કરી. તેમણે ઋગ્વેદની ઋચાઓથી શરૂ કરીને લોકગીતો દ્વારા અપાતા અનૌપચારીક શિક્ષણની વાત કરી હતી.
બપોરના સત્રથી શરૂ થયેલો પ્રથમ દિવસ રાત્રી સત્રના વિશેષ આનંદ સાથે પૂર્ણ થયો.
તારીખ ૧૬મી નવેમ્બરના રોજ સવારે ૮.૩૦ વાગે બીજા દિવસના પ્રથમ સત્રની શરૂઆત સવારે ૮.૩૦ વાગે થઇ. પ્રથમ સત્રની શરૂઆત એલ.એમ.વોરા.ગર્લ્સ હાઈસ્કુલની દીકરીઓની પ્રાર્થનાથી થઇ.ત્યાર બાદ શ્રી જે.જે.રાવલ સાહેબે પોતાના સ્વરચિત કવિતાનું ગાન કર્યું.
આવી સ્થિતિમાં બાળકોને ‘તટસ્થ ચિંતન’ કરતા શીખવાડવું ખૂબ જરૂરી છે.કોઈ પણ બાબતની ચર્ચા કરી સાચું શું તે જાણવું અને તેને અપનાવે તે શીખવવું ખૂબ જરૂરી છે.આ બધાથી બચવા માટે બાળક વૈશ્વિક સ્તરે વિચારતો થાય તે ખૂબ જરૂરી છે.
બીજા દિવસ ની પહેલી બેઠકમાં જાણીતા પત્રકાર શ્રી રમેશભાઈ તન્નાએ સી.એન.વિદ્યાલય, અમદાવાદ ના નિયામક શ્રી વૈશાલીબેન શાહ, તેલાવ પ્રાથમિક શાળા, સાણંદ, અમદાવાદના મુખ્યશિક્ષક શ્રી વિજયભાઈ પટેલ તથા જમીયતપુરા પ્રાથમિક શાળા, કડી,મહેસાણાના મુખ્ય શિક્ષક શ્રી જનકભાઈ પટેલ સાથે તેમના અનુભવો અને પડકારો વિષે પ્રશ્નોતરી કરી હતી. ત્રણેય વક્તાઓના કાર્યક્ષેત્રો અને કાર્યપ્રણાલી અલગ અલગ હોવા છતાં તેમના પડકારો અને પ્રશ્નો બાળકોને લગતા હોવાથી શ્રોતાઓને જાણે પોતાની વાત જ કહેવાતી હોય તેવો માહોલ ઊભો થયો હતો.ત્રણેય વક્તાઓએ પોતાની શાળાના અનુભવની સાથે સાથે તેમણે ઝીલેલા પડકારોની વાતો પણ સહજતાથી કરી હતી.
ત્યારબાદની બેઠકનું સ્વરૂપ પણ અગાઉની બેઠક જેવું જ હતું. બીજી બેઠકનું સંચાલન જાણીતા કેળવણીકાર શ્રી મનસુખભાઈ સલ્લા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં એમણે શ્રી મમતાબેન શર્મા (મદદનીશ શિક્ષક, ડેડીયાપાડા, નર્મદા), શ્રી રાકેશભાઈ પટેલ, મુખ્યશિક્ષક, નવાનદીસર પ્રાથમિક શાળા, ગોધરા, પંચમહાલ તથા શ્રી હાજીભાઇ બાદી (સંચાલક, સહયોગ વિદ્યાલય, વાંકાનેર)ને જોડ્યા હતા. મનસુખભાઈ સલ્લાએ તેમની આગવી શૈલીમાં ત્રણેય સહભાગીઓને શાળા,શિક્ષણ,સંચાલન અંગેના પ્રશ્નો અને તેના ઉપાયોની પ્રશ્નોતરી દ્વારા ચર્ચા હતી. તેમણે ત્રણેયે શિક્ષક તરીકેના અનુભવ તથા વર્તમાન શિક્ષણપ્રણાલી વિષે પણ ઉપયોગી રજૂઆત કરી હતી.
બીજા દીવસની ત્રીજી બેઠકમાં શ્રી રામભાઈ ઠાકરે “મારી શાળા મારા પ્રયોગો” વિષે વાત કરી હતી. શ્રી રામભાઈ ઠાકર સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં ‘સામતપર પ્રાથમિક શાળા’ માં ૨૦૧૨થી મુખ્યશિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ શાળામાં જોડાયાની શરીઆતથી અત્યાર સુધીની તેમની શૈક્ષણિક યાત્રાની વાત કરી હતી.જયારે તેઓ શાળામાં જોડાયા ત્યારે ગામમાં ચોરી અને દારૂનું પ્રમાણ ખૂબ હતું આટલાં વર્ષોમાં એક પેઢી તેમના હાથ નીચેથી ભણીને પસાર થતાં હવે કુરિવાજો અને નશાની બદીઓનું પ્રમાણ ઓછું થઇ ગયું છે. તેમાં શિક્ષણનો સિંહફાળો છે એવું એમણે જણાવ્યું. જે ગામમાં દીકરીઓ ધોરણ ૮થી આગળ ભણતી નહોતી ત્યાં આજે ૧૦૦% દીકરીઓ સાક્ષર છે અને માધ્યમિક શિક્ષણ મેળવે છે.આમ રામભાઈની વાતોથી હાજર તમામને પોતાની વાત થતી હોય તેવી લાગણી થઇ.
ત્યારબાદની બેઠક GCERTના પૂર્વનિયામક શ્રી ટી.એસ.જોશી સાહેબની હતી જેમાં એમણે “નઈ તાલીમ અને શિક્ષણનીતિ” વિષે વાત કરી હતી.જોશી સાહેબે અભય બંગના “એક જાદુઈ શાળા” નામના પુસ્તક વિષે વાત કરી હતી.તેમને નવી શિક્ષણનીતિ અને નઈ તાલીમના સંદર્ભે આ પુસ્તકની વાત કરી હતી. તેમણે પોતાની વાત રજૂ કરતાં કહ્યું હતું કે બાળકોને તમામ બાબતો શીખવવા કરતાં જાતે શીખતો કરવો, ગોખણ પદ્ધતિથી બચાવવા.તેમણે કહ્યુ કે શાળાકીય મૂલ્યાંકન અને બોર્ડની પરીક્ષામાં પણ નવી શિક્ષણનીતિ અંતર્ગત ફેરફારો કરવામાં આવશે તેમજ બાળકના માત્ર પાઠ્યપુસ્તક આધારિત મૂલ્યાંકન કરતાં તેમના વ્યક્તિત્વનાં તમામ પાસાને આવરી લે તેવા મૂલ્યાંકન માટે “પરખ” દ્વરા મૂલ્યાંકન પદ્ધતિ તૈયાર કરવામાં આવી રહી છે.શ્રમ,બાગાયત,રસોઈ,પ્રવાસ જેવી તમામ પ્રવૃતિઓની સાથે બાળકને ખરા અર્થમાં જોડવું જોઈએ. તેમણે શ્રમના મહત્વને નવી શિક્ષણનીતિમાં પણ સમાવ્યું છે તેમ પણ જણાવ્યું.
ભોજન બાદનું પ્રથમ સત્ર જાણીતા ગણિતજ્ઞ અને વાર્તાકાર શ્રી ગિજુભાઈ ભરાડનું હતું જેમાં એમણે “શિક્ષણને રસપ્રદ બનાવવામાં વાર્તાનું માધ્યમ” વિષે વાત કરી. એમને જણાવ્યુ કે બાળક વાર્તા થકી એક કલ્પનાના વિશ્વમાં વિહાર કરી શકે છે,જ્યાં તે પોતાના મનને વધુ નજીકથી જાણી શકે છે.માતા બાળકની સૌ પ્રથમ શિક્ષક છે અને માતાનો પ્રત્યેક શબ્દ બાળક માટે ઉપનિષદ સમાન છે માટે માતાએ બાળકને વાર્તાના માધ્યમથી ભાવવિશ્વમાં લઇ જવો જોઈએ.તેમણે વધુમાં એ પણ જણાવ્યુ કે વાર્તા કયા વિષય પર અને કયા પ્રકારની હોવી જોઈએ તથા વાર્તાથી અભ્યાસને વધુ રસપ્રદ અને સમજવા યોગ્ય કઈ રીતે બનાવી શકાય છે.આમ ભરાડસાહેબનું વક્તવ્ય ખૂબ રસપ્રદ રહ્યું.
ભોજન વિરામ પછીના બીજા સત્રની પ્રથમ બેઠકમાં અમદાવાદના સાણંદ તાલુકાની ચાચરાવાડી પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષિકા શ્રી બંસીબેન લખતરીયા એ “આનંદદાયી શિક્ષણ” ની વાત કરી. બંસીબહેને ગણિત-વિજ્ઞાન જેવા અઘરા ગણાતા વિષયોને ગીતોના માધ્યમથી સરળતાથી વર્ગખંડમાં ભણાવ્યા છે. અને તેમાંથી કાર્યાત્મક સંશોધન કરીને પરિણામ પણપામ્યાં છે. જેનાથી સફળતા આંક સચોટ રીતે નક્કી કરી શકાયો છે..બંસીબેન વિજ્ઞાન અને ગણિતના અઘરા મુદ્દાઓ ઉપર ગીતો તથા ગરબાની રચના કરી સુંદર ગીતો લખ્યા છે. અને પ્રાર્થના તથા વર્ગખંડોમાં નિયમિત રીતે ગવડાવતા તેનાથી ધારી સફળતા પણ પ્રાપ્ત કરી શક્યાં છે. હાજર તમામ શિક્ષકોને બંસીબહેનનો આ પ્રયાસ ખૂબ અસરકારક લાગ્યો.
બીજા દિવસનું છેલ્લું સત્ર લોકભારતી ના વાઈસ ચાન્સેલર, ઉત્તમ કેળવણીકાર અને લેખક એવા શ્રી વિશાલભાઈ ભાદાણીનું હતું. જેમનો વિષય “ વિદ્યાર્થીઓની ગ્રહણશીલતાની મર્યાદા અને તેના ઉપાયો” હતો.ખૂબ અભ્યાસુ એવા વિશાલભાઈએ લગભગ ૮૦ મિનીટ પોતાના વિષયની ઊંડાણથી અને તલસ્પર્શી ચર્ચા કરી. જેમાં એમણે હાલ વિદેશમાં અભ્યાસની પઢતી અને શાળાઓની સ્થિતિની સાથે સાથે ભારતમાં પણ અભ્યાસ અને શાળાઓની સ્થિતિ અંગે વાત કરી. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની ગ્રહણશીલતાની આડે પૂર્વગ્રહ અને અભ્યાસની પદ્ધતિઓ ખૂબ મોટી આડખીલી છે.પોતાના ગામની નાની શાળાના ઉદાહરણથી લઈને તેમણે ઓકસફર્ડ જેવા વિશ્વવિદ્યાલયની શિક્ષણપ્રણાલીમાં બાળકોની સ્થિતિ અંગેની ચર્ચા કરી.શાળા,શિક્ષક,વાલી,અભ્યાસક્રમ તથા પદ્ધતિ થઈને એક સંપૂર્ણ વ્યવસ્થા રચે છે તે વાત એમણે દૃષ્ટાંતો સાથે રજૂ કરી.વધુમાં તેમણે જણાવ્યું કે આ તમામમાંથી જો એકમાં પણ ક્ષતિ હોય તો તેની તમામ અસર બાળકની ગ્રહણશીલતા પર પડે છે.બાળકો ની સાથે કામ કરવામાં મગજની ટેકનિકલ બાબતોનો પણ એમણે સહજતાથી પરિચય આપ્યો અને તેને સમજીનેકામ કરી શકાય તેવી પરિસ્થિતિની પણ ચર્ચા કરી. પોતાના વક્તવ્યની સાથે સાથે તેમણે શિક્ષકોના પ્રશ્નો તથા મૂંઝવણ અંગે માર્ગદર્શન પણ આપ્યું.
બીજા દિવસનું રાત્રિ સત્ર શ્રી બિન્દુબહેન ઝાલાનું હતું જેમાં એમણે “TLM દ્વારા શિક્ષણ” વિષય પર વાત કરી. તેમણે કહ્યું કે બધાં જ બાળકોની શીખવાની શક્તિ, પદ્ધતિ અને સમય અલગ-અલગ હોય છે.TLM (TEACHING LEARNING MATERIAL) ની મદદથી બાળકો પોતાની ગતિથી આગળ વધી શકે છે.દરેક વિષયના અઘરા મુદ્દાને પણ બાળકો TLMની મદદથી રમતાં-રમતાં શીખી જાય છે, અને પોતાના રસથી શીખેલા વિષયથી બાળકનું જીવન ઘડતર થાય છે.તેમનામાં પોતાના જ્ઞાનનો પ્રેક્ટિકલ ઉપયોગ કરવાની ક્ષમતા વધે છે જયારે જ્ઞાનનો વાસ્તવિક ઉપયોગ કરવાનો આવે ત્યારે ડરતા નથી કે નાસીપાસ થતાં નથી.TLM માત્ર ખર્ચા કરીને કે મોંઘા સાધનોથી બને છે એવું નથી પરંતુ પોતાની આજુબાજુની વસ્તુઓનો ઉપયોગ કરીને જો બાળકો રસથી TLM બનાવે તો તેનો ઉપયોગ પણ તે કોઈની મદદ વિના સરળતાથી કરી શકે છે. TLM બનાવવામાં બાળકોની ભાગીદારી અને રસ ખૂબ ઉપયોગી છે તેમ તેમણે જણાવ્યું. આની સાથે સાથે તેમણે શિક્ષકોને પ્રેક્ટીકલી TLM બનાવીને પણ બતાવ્યા જેનો તેઓ વર્ગખંડમાં ઉપયોગ કરી શકે.બધા શિક્ષકોએ ખૂબ રસપૂર્વક આ સત્રને ‘INTER ACTIVE’ બનાવ્યું.
કાર્યક્રમના ત્રીજા દિવસે પ્રથમ સત્રની પહેલી બેઠકમાં ટીડાણા પ્રાથમિક શાળા,તા: સાયલા,જિ સુરેન્દ્રનગરના મુખ્ય શિક્ષક શ્રી મહિપાલસિંહ જેતાવતે પોતાના કાર્યાઅનુભવોની વાત કરી. મહિપાલસિંહનો વિષય “મારી શાળા મને કેમ ગમે છે ?” એવો હતો. તેઓએ પોતાની શાળામાં કરેલા તમામ પ્રયોગોની વાત કરી. શાળા સવારે ૫ વાગે શરુ કરવાથી માંડી બાળકોને વિધિવત સમયસર નહાતા કરવાનું કામ પણ કરવું પડ્યું ત્યાંથી કેળવણીની શરૂઆત થઇ. તેઓએ શાળાના બાળકોને સુપર ૩૦ નામના જુથમાં વર્ગીકૃત કરી તેમની શક્તિઓને કઈ રીતે ઓળખીને તેનો ઉપયોગ તેમના વિકાસમાં કર્યો તેની વાત કરી. જે ગામમાં વિદ્યાર્થીઓ જાહેર મંચ પર કાર્યક્રમમાં ભાગ નહોતા લેતા તેના વિદ્યાર્થીઓ આજે ખેલ મહાકુંભ અને કળા મહાકુંભમાં ભાગ લેતા થયા એની રસપ્રદ યાત્રાની વાત તેઓએ કરી. બાળકોને દિલ્લી દર્શનથી માંડી ફૂટબોલર મેસ્સીનું ઘેલું લગાડવાના પ્રયત્નોની વાત તેમણે કરી. ગામની સ્નાતક દીકરીઓ અનુસ્નાતક કક્ષા સુધી પહોંચી શકે તે માટે મહિપાલસિંહ પોતે ભણ્યા અને દીકરીઓને પણ ભણાવી પરીક્ષા આપવા પોતે પણ જતા અને દીકરીઓને પણ લઇ જતા તેની ગામ પર એ અસર થઇ કે હવે ગામની લગભગ તમામ દીકરીઓ અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ સહજતાથી કરે છે. એક શિક્ષક ધારે તે શું કરી શકે તેવી લાગણી મહિપાલસિંહની વાત સાંભળીને સૌને થઇ.
ત્યારબાદ શ્રી પ્રિતીબહેન શાહ તથા શ્રી દર્શનબહેન પટેલે ભાગીદાર શિક્ષકો સાથે પ્રશ્નોતરી કરી હતી. સૌ શિક્ષકોએ પોતાને મળેલા પ્રશ્નોના નિખાલસ જવાબો આપ્યા હતા અને સાથે સાથે કેળવણી પરિષદ દ્વારા જરૂર જણાય ત્યાં તેમને વ્યક્તિગત અથવા સંસ્થાકીય મદદ અથવા માર્ગદર્શન પૂરું પડાશે તેવી ચર્ચા પણ થઇ હતી. આ સત્રમાં શિક્ષકો સૌથી વધારે ખૂલ્યા હતા તથા પોતાના અનુભવો તથા વર્ગખંડમાં પડતી મુશ્કેલી અને પડકારોની વાત પણ કરી હતી. એકદમ જીવંતતાથી સૌએ પોતાની વાત અને પ્રશ્નોને સાંકળીને રજુ કર્યા હતા.
શિક્ષણપર્વના છેલ્લાં દિવસે છેલ્લું સત્ર પરિષદનાં પ્રમુખ શ્રી મનસુખભાઈ સલ્લાના વ્યાખ્યાન સાથે સમાપ્ત થયું હતું. તેમનો વિષય “શિક્ષકોનું કર્તવ્ય શા માટે ભિન્ન ગણાય?” હતો. જેમાં તેમણે વિદ્યાલયને મનુષ્ય જાતિની અદ્ભુત શોધ ગણાવી હતી.અન્ય જીવો અને મનુષ્યની વચ્ચેના ભેદને સમજાવતા તેમણે શિક્ષણની અનિવાર્યતાની વાત કરી હતી. શિક્ષણનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું હતું કે શિક્ષણનું કામ જે નથી જાણતા એ જાણતા કરવાનું નથી, પરંતુ જે કરવા જેવું છે એ કરતાં કરવાનું છે. એમાંથી મનુષ્ય વધુ સંવેદનશીલ, બીજાની કાળજી લેતો અને સમાનતાલક્ષી બને છે.
અંતે હાજર તમામ ભાગીદાર શિક્ષકોએ પોતાના પ્રતિભાવ મૌખિક અને લેખિત સ્વરૂપે રજુ કર્યા. અને શ્રી ચંદ્રકાંતભાઈ વ્યાસ દ્વારા આભારવિધિ થઇ.ત્રણ દિવસના આ સેમિનારમાં સૌ એક નવી જ ઊર્જા લઈને છુટા પડ્યા અને નવા શૈક્ષણિક સત્ર માટે સજ્જ થયા.
રાજસૌભાગ આશ્રમની ઉત્તમ નિવાસ અને ભોજન્વ્યવ્સ્થા, આધ્યાત્મિક વાતાવરણ અને સ્વયં શિસ્તની ભાગીદારો ઉપર ઊંડી છાપ પડી હતી.